અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં મેલડી માતાજીનું પૌરાણિક સ્થાન આવેલું છે. બાબરાથી નિલમડા રોડ પર જતા 4 કિલોમીટરના અંતરે આવેલા તળાવની પાળે માતાજી પ્રગટ થયા હતા. બાબરા સહિત સમગ્ર ગુજરાતમાંથી માઇભક્તો માતાના ચરણે શિશ ઝૂકાવવા આવે છે અને ધન્યતાનો અનુભવ કરે છે. તેટલું જ નહીં વડલીવાળા મેલડી માતાજી દરેક ભક્તની ઇચ્છાઓ પણ પૂરી કરે છે.

માતાજીની પ્રાગટ્ય ગાથા
વડલીવાળા મેલડી માતાજીનું સ્થાનક અંદાજે 400 વર્ષથી પણ વધુ જૂનું છું. જ્યારે ગાયકવાડનું શાસન હતું તે પહેલાંના માતાજી અહીં બિરાજમાન છે. તે સમયે માતાજી સેવક સાથે કારાવાસમાં હતા. સમય જતા સેવકની નાદુરસ્ત તબિયતને કારણે દેહ છૂટવાનો સમય આવી જાય છે. ત્યારે માતાજી તેમના અન્ય એક સેવક વહાતિયા જેનું નામ. તેને સપને આવીને પોતાને આ કારવાસમાંથી બહાર કાઢવાનું જણાવે છે.

‘રાતના 12 વાગ્યે માતાજી કબૂતરનું સ્વરૂપ લઈને સામે આવે છે’
માતાજી સપનામાં સેવક વહાતિયાને કહે છે કે, ‘અહીં આ લોકો સેવકના પાર્થિવ શરીર સાથે મારા ફળા પણ સળગાવી દેશે. મને આવીને અહીંથી લઈ જા. નગર દરવાજાના 12 ટકોરા વાગે ત્યારે કબૂતરનું સ્વરૂપ લઈને આવું અને ઘૂઘવાટાં કરું તો સમજજે મેલડી મા આવ્યાં છે.’ ત્યારે રાતે માતાજીના કથન પ્રમાણે જ બરાબર નગર દરવાજે 12 ટકોરા વાગે છે એટલે કે રાતના 12 વાગ્યે માતાજી કબૂતરનું સ્વરૂપ લઈને સામે આવે છે. ત્યારે વહાતિયા સેવક મેલડી માતાજીને કહે છે કે, ‘હું કેવી રીતે ત્યાં જઈશ? ત્યાં જેલમાં તો પહેરો હોય?’

‘માતાજીની આજ્ઞા મુજબ વહાતિયા સેવક ત્યાં જાય છે’
માતાજી કહે છે કે, ‘મારું નામ લઈને જતો રહેજે. બધા તાળાં પડી ગયા હશે અને સૈનિકો સૂઈ ગયા હશે.’ માતાજીની આજ્ઞા મુજબ વહાતિયા સેવક ત્યાં જાય છે અને જુએ છે તો તમામ પહેરેગીર સૂઈ ગયા હોય છે અને દરવાજે મારેલા તાળાં પણ ખૂલી ગયા હોય છે. ત્યાં જઈને વહાતિયા સેવક માતાજીના ફળા અને સેવકનું પાર્થિવ શરીર બહાર લઈ આવે છે. બહાર આવીને સવારે બાબરાની સીમમાં આવીને સેવકના પાર્થિવ શરીરને અગ્નિદાહ આપે છે.

‘નવો સૈનિક આખો દિવસ સેવાપૂજા જ કરે છે’
ત્યારબાદ વહાતિયા સેવક બાબરામાં રાજ કરતા બાવાવાળા રાજાને ત્યાં જઈને કહે છે કે, ‘હું વટેમાર્ગુ છું. મારી પાસે કાંઈ કામ-ધંધો નથી. નોકરી હોય તો મને આપો.’ ત્યારે રાજા તેને દરબાર ગઢના કોઠે પહેરેગીર તરીકે નોકરી આપે છે. વહાતિયા સેવક માતાજીના ફળા ત્યાં કોઠે રાખીને જ સેવાપૂજા કરે છે. સમય જતા રાજાને લોકો ચડાવે છે કે, ‘નવો સૈનિક આખો દિવસ સેવાપૂજા જ કરે છે. કાલે કોક ચડાઈ કરશે તો શું થાશે.’ પછી રાજા વહાતિયા સેવકને ઢોર ચરાવવાનું કામ સોંપે છે.

‘વહાતિયા સેવકની ઉંમર થતા ઢોર ચરાવવા જવું મુશ્કેલ બને છે’
સમય જતા વહાતિયા સેવકની ઉંમર થાય છે અને ઘડપણ આવે છે. જેમાં તેમનાથી ઢોર ચરાવવા જવું મુશ્કેલ બને છે. ત્યારે વહાતિયા સેવક ઢોરોની પાછળ માત્ર લાકડી રમતી મૂકે અને ઢોર આપમેળે ચરીને પાછા જ્યાં હોય ત્યાં આવી જાય છે. આવું ઘણાં સમય સુધી ચાલે છે. ત્યારે એક દિવસ રાતે વહાતિયા સેવક માતાજીને નિસાસો નાખતા કહે છે કે, ‘આજ સુધી મારા હાથ-પગ ચાલ્યાં ત્યાં સુધી તારી સેવાપૂજા કરી હવે મારાથી થતું નથી. તો અહીં જ હું તારી સેવાપૂજા કરીશ સ્વીકારી લેજે.’

‘અહીં મેલડી મા ‘વડલીવાળા મેલડી મા’ તરીકે ઓળખાય છે’
આ દરમિયાન જ માતાજી પ્રગટ થાય છે અને કહે છે કે, ‘હું તારી પાસે આવી છું, તું મારી પાસે નથી આવ્યો. ભલે, તું અહીં જ પૂજા કરજે.’ આમ માતાજીનું ત્યાં વડલા નીચે સીમમાં જ પ્રાગટ્ય થાય છે અને ત્યાં ત્રિશૂલના પાણે માતાજીનું સ્થાપન કરે છે. ત્યારથી અહીં બિરાજમાન મેલડી મા ‘વડલીવાળા મેલડી મા’ તરીકે ઓળખાય છે. ત્યારપછી અહીં કોઈ ડેરી બનાવે છે તો કોઈ નાનકડું મંદિર બનાવે છે. આજે અહીં સફેદ આરસપહાણનું શિખરબંધ મંદિર બંધાવવામાં આવ્યું છે.

નવરાત્રિમાં લાખો લોકો દર્શનાર્થે ઉમટે છે
માતાજીના સ્થાનકે આમ સામાન્ય દિવસોમાં હજારો લોકો દર્શનાર્થે આવે છે. બાબરા સહિત આસપાસના 112 ગામ અને સમગ્ર ગુજરાતમાંથી અહીં લોકો આવતા હોય છે. ખાસ કરીને ચૈત્રી નવરાત્રિનું અહીં ખૂબ જ મહાત્મય છે. દર ચૈત્ર સુદ બીજના દિવસે અહીં માતાજીના નવરંગા માંડવાનું આયોજન કરવામાં આવે છે. જેમાં ગુજરાતભરમાંથી અંદાજે 6થી 7 લાખ લોકો આવે છે. માતાજીના દર્શન કરે છે અને ધન્યતાની અનૂભુતિ કરે છે. અહીં દરરોજ સવારે 10થી બપોરે 3 વાગ્યા સુધી અને સાંજે 6થી રાતના 10 વાગ્યા સુધી અન્નક્ષેત્ર ચાલુ હોય છે. આ ઉપરાંત અહીં રહેવાની પણ વ્યવસ્થા હોય છે.

માએ અનેક લોકોને પરચા આપ્યાં
માતાજીના આ ધામમાં કોઈપણ વ્યક્તિ આવે તેની દરેક મનોકામના પૂરી થતી હોવાની માન્યતા છે. માતાજીએ અનેક ભક્તોને પરચા પણ આપ્યાં છે. કહેવાય છે કે, માતાજીએ લગ્નના 22 વર્ષ થઈ ગયા હોય તે છતાં સંતાનવાચ્છુકોને બે-બે સંતાનો આપ્યાં છે. આવા અનેક પરચા માતાજીએ આપ્યાં છે. આ ઉપરાંત કોઈપણ માણસ આવીને મંદિરની નવ પ્રદક્ષિણા કરે તો તેનું ઇચ્છેલું કામ અચૂક થાય છે. આ ઉપરાંત માતાજીને સવા કિલો ઘીની સુખડી પ્રસાદ તરીકે ચડાવવામાં આવે છે.

You cannot copy content of this page