Warning: file_exists(): open_basedir restriction in effect. File(/opt/a2-optimized/wordpress/Optimizations.php) is not within the allowed path(s): (/www/wwwroot/deargujarat.com/:/tmp/) in /www/wwwroot/deargujarat.com/wp-content/plugins/a2-optimized-wp/A2_Optimized_OptionsManager.php on line 22
મિત્તલે કહ્યું કે 'મારી તો અહીંથી જવાની ઈચ્છા જ નથી પણ જો જઈશ તો... - DEAR GUJARAT

સાસુ-સસરા દ્વારા વિધવા પુત્રવધૂના પુનર્લગ્નના અમુક કિસ્સાઓ તમે જોયા હશે, પણ એક એવો બનાવ સામે આવ્યો છે, જે તમે આજ દિવસ સુધી નહીં સાંભળ્યો હોય. પટેલ પરિવારમાં જુવાનજોધ દીકરાનું અકાળે અવસાન થતાં વહુ વિધવા બની. પણ સાસુ-સસરાને વિધવા વહુ અને બે પૌત્રો સાથે એવી તો સંબંધની માયા બંધાઈ કે તેનાથી જુદા થઈ શકે એમ નહોતા. આથી સાસુ-સસરાએ એક ઐતિહાસિક નિર્ણય લીધો. સાસુ-સસરાએ 35 વર્ષના એક યુવકને દીકરા તરીકે દત્તક લીધો અને એની સાથે વિધવા વહુના પુનર્લગ્ન કરાવ્યા. આખો પરિવાર હવે એક છત નીચે આનંદથી જીવન વિતાવી રહ્યો છે. દત્તક દીકરાએ પણ એક યોગીની જેમ પોતાના સગાં મા-બાપને ત્યાગીને નવો જ સંસાર માંડી નવા વૃદ્ધ મા-બાપની સેવા કરવાની નેમ લીધી છે.

શું હતો બનાવ?
કચ્છના માંડવી તાલુકાના વરજડી ગામનો આ સુંદર કિસ્સો ચારેબાજુ ચર્ચાનો વિષય બન્યો છે. વરજડી ગામમાં રહેતા કડવા પાટીદાર ઈશ્વરભાઈ ભીમાણીના પરિવારમાં પત્ની માલતીબેન, પુત્ર સચિન, પુત્રવધૂ મિત્તલ તથા બે પૌત્ર ધ્યાન અને અંશ હતા. સચિનને ખેતી અને ગૌશાળામાં રસ હતો. નવ મહિના પહેલા સપ્ટેમ્બર-2021માં સચિન પોતાના ઘર આગળ જ બનાવવામાં આવેલા તબેલામાં ઇલેક્ટ્રિક મશીનથી ગાયો દોહતો હતો ત્યારે વીજ કરંટ લાગતાં તેનું ઘટનાસ્થળે મૃત્યું થયું હતું. ભીમાણી પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું. આ ઘટનાએ ઈશ્વરભાઈને અંદરથી હચમચાવી નાખ્યા હતા. દરમિયાન ઈશ્વરભાઈએ પુત્રવધૂ મિત્તલના ફરી લગ્ન કરાવવાનો વિચાર આવ્યો. પણ મિત્તલને પોતાના બંને પુત્રોને પણ સાથે લઈ જવાનું કહ્યું ત્યારે ઈશ્વરભાઈને ધ્રાસ્કો લાગ્યો. સાસુ-સસરાને પુત્રવધૂ મિતલ અને પૌત્રો સાથે લાગણીના સંબંધો બંધાઈ ગયા હતા. આથી તેમણે પૌત્રો સાથે દીકરી જેવી વહુ પણ ઘરે જ રહે એવું નક્કી કર્યું. ઈશ્વરભાઈએ સાબરકાંઠા જિલ્લાના વડાલી કંપા ગામે રહેતા 35 વર્ષના યોગેશ છાભૈયાને પુત્ર તરીકે દત્તક લીધો અને તેની સાથે પુત્રવધૂના ધામધૂમથી લગ્ન કરાવ્યા.

ઈશ્વરભાઈ ભીમાણીએ જણાવ્યું, ”પરિવારમાં સચિન મોટો હતો. એ પછી દીકરી જાગૃતિ અને કોમલ હતા. મારો વ્યવસાય ખેતીનો છે. હું કોન્ટ્રાક્ટરનું પણ કામ કરતો હતો. એ માટે પહેલા બહારગામ રહેવું પડતું હતું. ત્યારે વિચાર્યું હતું કે જ્યારે પૌત્ર આવશે ત્યારે બહારગામના કામ છોડીને હું ઘરે જ રહીશ. અને ખેતીવાડી સંભાળીશ. અને એમની સાથે સમય પસાર કરીશ. સચિનને ખેતીમાં રસ હતો. શાકભાજી અને ફ્રૂટની દુકાન પણ હતી. સાથે ગાયો પાળવાનો પણ શોખ હતો. પાંચ વર્ષથી તબેલો બનાવી ગાયો રાખી હતી. દૂધનો વેપાર પણ કરતો. એક દિવસ હું અને મારી પત્ની, સચિન અને એની પત્ની અમે ચારેય તબેલામાં સાથે જ હતા. એ વખતે તેને કરંટ લાગ્યો અને ત્યાં જ તેણે અંતિમ શ્વાસ લીધા. હું સ્વીચની બાજુમાં ઊભો હતો. મે એ ફટાફટ બંધ કરી. પણ… એ ભગવાનને શરણે થઈ ગયો.’

યોગેશના માતા-પિતાનો આભાર કે એમણે મને દીકરો આપી દીધો: ઈશ્વરભાઈ
ઈશ્વરભાઈ ભીમાણીએ આગળ કહ્યું, ”દીકરાના નિધન બાદ અમને થયું કે પૌત્રને બધા જતાં રહેશે તો અમારું ઘર ખાલી થઈ જશે. જે સ્થિતિમાં અમે રહી નહીં શકીએ. પૌત્રો સાથે પહેલેથી જ લગાવ હતો. એ બંને તેમના મમ્મી-પપ્પા કરતાં અમારી પાસે વધુ રહેતા હતા. અમારી ચિંતાને પગલે મારા સાઢુભાઈ વિસનજીભાઈ ભગતે અમને રસ્તો સૂઝાડયો અને કહ્યું કે આવું કરીએ તો બધા લોકો તમારી પાસે રહેશે. એટલે અમે પુત્ર દત્તક લઈને પુત્રવધૂના લગ્ન કરાવવાનું વિચાર્યું. પછી શાળાના આચાર્ય તથા અન્ય સંબંધીઓને પણ વાત કરી ત્યાં યોગેશ છાભૈયા સાથે મુલાકાત થઈ. યોગેશ મારા સચિન જેવો જ છે. યોગેશ કહે છે કે તમને કે મિત્તલને કોઈને ઓછું આવવા નહીં દઉં અને તમારા સપના હું પૂરા કરીશ. અત્યારે એ જ બધો વહેવાર સાંભળે છે. તેના સગા માતા-પિતાનો આભાર કે એમણે મને એમનો દીકરો આપી દીધો. અમને પૌત્રો મળવા કરતાં પણ અમારી દીકરી જેવી પુત્રવધૂ ઘરે રહી છે એનો વધારે હરખ છે. ”

એમની બધી ઈચ્છાઓ પૂરી કરવી છે: યોગેશ
હાલમાં યોગેશભાઈ વરજડીમાં ખેતીવાડી અને તબેલો સંભાળે છે અને આ સાથે વડાલી ખાતે રહેતા સગા માતા-પિતાના ઘરે પણ આવ જ કરે છે. તેમણે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ”આ પ્રસ્તાવ મારી પાસે આવ્યો ત્યારે પહેલા તો મેં ના જ પાડી હતી. આ બધી વાત પોસિબલ નથી. પછી થયું કે મુલાકાત કરીએ તો ખ્યાલ આવે . પરિવારે પણ કહ્યું કે આપણે એક વખત મળી લઈએ. પછી કોઈ નિર્ણય લઈએ. એક વખત મળ્યા પછી થયું કે ખરેખર આ ફેમિલીને વારસદારની જરૂર છે. કારણ કે ફેમિલી બહુ ડિસ્ટર્બ થઈ ગયું હતું. એકનો એક દીકરો ભરયુવાનીમાં જતો રહે એટલે દુ:ખ થાય જ. એટલે થયું કે આ પ્રયત્ન કરવાથી આખું ફેમિલી ફરી ઊભું થતું હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. મારા માતા-પિતાએ આ નિર્ણય મારા પર છોડ્યો હતો. હાલ મારા માતા-પિતા કરતાં પણ વધુ સ્નેહ મને મળી રહ્યો છે. હવે એમની બધી ઈચ્છાઓ પૂરી કરવી છે. ”

મે હા પાડી એ સારું કર્યું: મિતલબેન
જ્યારે મિત્તલબેને જણાવ્યું હતું, ”સૌ પહેલા મારા સસએ આ પ્રસ્તાવ મૂક્યો ત્યારે પહેલા તો મેં ના જ પાડી હતી કે આ શક્ય જ નથી. સૌથી પહેલા તો કોઈ આ રીતે આવવા તૈયાર જ ન હોય. પછી પપ્પા (ઇશ્વરભાઇ)એ કહ્યું કે એક છોકરો આ રીતે તૈયાર છે. તો મે તેમની ડિટેલ લેવા કહ્યું. અને યોગ્ય લાગે તો જોઈશું એવું કહ્યું. પછી યોગેશની માહિતી મેળવી તો બધાને સારું લાગ્યું. પછી મે હા પડી અને લગ્ન થયા. હવે લાગે છે કે મે હા પાડી એ સારું કર્યું. લગ્ન કર્યા પછી જીવન બદલાયું છે. એક આપણે એકલા હોઈએ અને બીજું કોઈનો સાથ હોય તો ફરક પડી જાય છે.

દીકરાના અકાળે અવસાનથી પરિવાર ડિપ્રેશનમાં સરી ગયો
ઈશ્વરભાઈ ભીમાણી સાઢુભાઈ વિસનજી ભગતે વાતચીતમાં જણાવ્યું, ”એકના એક દીકરા સચિનના અકાળે અવસાન બાદ ઇશ્વરભાઇ અને તેમના પરિવારને જબરદસ્ત આઘાત લાગ્યો હતો. 2-3 મહિના થવા છતાં તેઓ સામાન્ય થઈ શક્યા નહોતા, પણ વધારે ડિપ્રેશનમાં રહેવા લાગ્યા. તેમનું કહેવું હતું કે તેઓ દીકરા વગર નહીં રહી શકે. અમારા સમાજમાં એવું છે કે મૃત્યુના બારમા દિવસે કર્મ ક્રિયા કર્યા પછી પુત્રવધૂને તેના માતા-પિતા તેડી જતા હોય છે. તેમને બે નાના પૌત્ર હતા ધ્યાન (11 વર્ષ) અને અંશ (6 વર્ષ). જો પુત્રવધૂ મિત્તલ તેમને સાથે લઈ જાય તો પાછળ કોઈ વધે જ નહીં. પરિવાર આખો વેરવિખેર થઈ જાય. ઈશ્વરભાઈની પણ એવી ઈચ્છા હતી કે મિત્તલને પરણાવી તો બંને પૌત્ર એમની સાથે જ રહે અને તેમનો વંશ રહી જાય. પણ મિત્તલે બાળકોને મૂકીને જવાની ના પડી. મિત્તલે કહ્યું કે ‘મારી તો અહીંથી જવાની ઈચ્છા જ નથી પણ જો જઈશ તો બંને દીકરાઓને લઈને જ જઈશ. એના પપ્પા મૂકીને ગયા છે, હું મૂકીને જઈશ નહીં’ અમને પહેલાં હતું કે તાજો બનાવ છે એટલે આવું હશે. પરંતુ 6 મહિના થવા છતાં ઇશ્વરભાઇ કે મિત્તલ કોઈમાં પણ કોઈ ફરક પડ્યો નહીં. ઈશ્વરભાઈએ કહ્યું, અમારે દીકરો તો જોઈશે જ. ગમે તે કરો.”

દીકરો દત્તક લેવાની વાત સૂઝી
વિસનજી ભગતે આગળ વાત કરતાં કહ્યું, ”આ સંકટના સમયમાં અમને દીકરો દત્તક લેવાનું સૂઝ્યું. આથી પહેલાં અમે મિત્તલના પરિવારને વાત કરતાં તે પણ માની ગયા કે અમે તેના ફરી લગ્ન કરાવીશું તો બધુ જ નવું હશે, પણ જો તમે દીકરો દત્તક લઈ લો તો મિત્તલને ફક્ત એક વ્યક્તિ સાથે જ એડજસ્ટ થવાનું રહેશે. બાકી ઘર ગામ અને બધા વ્યક્તિ એના એ જ રહેશે. એ પછી અમે સમાજમાં વાત વહેતી મૂકી. તપાસ કરતાં 2-3 જગ્યાએથી વાતો આવી. પછી મૂળ કચ્છના આણંદસર ગામના અને હાલ સાબરકાંઠાના વડાલી ગામે રામજીયાની નામનું ફાર્મ ધરાવતા ઇશ્વરભાઇ પેથાભાઇ છાભૈયાના પરિવાર સાથે સંપર્ક થયો. છૈભૈયા પરિવારના 35 વર્ષીય પુત્ર યોગેશ સાથે અમે વાત કરી કે આ બહુ કઠીન છે, કારણ કે તારે સન્યાસીની જેમ બધુ મૂકીને અહી આવવું પડશે અહીયા આવ્યા પછી પણ ઘણી જવાબદારી છે. આવું કહ્યાં બાદ પણ યોગેશ બધુ સ્વીકારવા તૈયાર થયો અને પછી બધુ નક્કી થયું.”

ગામના મંદિરમાં લગ્ન થયા
તેમણે ઉમેર્યું, ”બધુ નક્કી થયા પછી અમે દત્તક વિધી પૂરી કરી ત્યાર બાદ મિત્તલના પિયર ગંગાપરગામના લક્ષ્મી નારાયણ મંદિરમાં ફૂલહારની વિધી કરી અને હિન્દુ રીતિ રિવાજ મુજબ પુન:લગ્ન કરાવ્યા. બાદમાં યોગેશ અને મિત્તલને વરજડી લઈ આવ્યા. પછી દિકરાની પરિચય વિધી માટે આખા ગામનો જમણવાર કરાવ્યો. ગામ લોકોએ પણ હોંશભેર ભાગ લઈ યોગેશ એટલે કે સચિનને અવકાર આપ્યો હતો.”

લોકો કહેતા- તમે ગાંડા થઈ ગયા છો?
આ અંગે વિશનજી ભગત કહે છે, ”નવો રસ્તો બનાવતા મુશ્કેલી તો આવતી જ હોય છે. અમારો વિચાર સાંભળીને સમાજના ઘણાં લોકો અમને કહેતાં કે તમે ગાંડા થઈ ગયા છો? આવું કંઈ થતું હોય? સમાજના આગેવાઓને તો એવુંય કહ્યું કે આપણા સમાજના ઇતિહાસમાં આવું ક્યારેય બન્યું નથી ને તમે ગાંડા જેવી વાહિયાત વાતો કરો છો. આવું પોસિબલ નથી. શાંતિથી ઘરે બેસી જાઓ. પરંતુ ઇશ્વરભાઇ અને માલતીબેનની વેદનાઓ અમે નજીકથી જોઈ હતી. એ પુત્ર વિયોગમા ઝૂરતા હતા. એ જોઈને અમને લાગતું હતું કે આવું નહીં વિચારીએ તો બેમાંથી કોઈને કંઈ પણ થઈ જશે. બંનેને શારીરિક રીતે પણ તકલીફો ઊભી થતી હતી. બીજી તરફ અમે પણ નક્કી કર્યું હતું કે અમારે કંઈ ખોટું કરવું નથી. એ મિશન લઈ અમે આગળ વધ્યા અને ભગવાને સપોર્ટ આપ્યો.”

યોગેશ અને મિત્તલને કેવી રીતે મનાવ્યા?
વિશનજી ભગતે ઉમેર્યું, ”યોગેશભાઈને એમના સગાએ જાણ કરી હતી. પછી અમે તેની સાથે વાત કરી તો યોગેશે કહ્યું કે અમે 15 દિવસ સુધી ઘણું મનોમંથન કર્યું છે. વિચાર્યું કે મારા માંબાપની સેવા કરવા માટે મારા બીજા બે ભાઈ છે. જો હું અહિયા આવીને જવાબદારી સ્વીકારું તો એક તૂટતું ઘર બચી જાય. આખો પરિવાર વિખેરાતો બચી જાય. અને હું પણ આ માબાપની સેવા કરી શકું.” વિશનજી ભગતે આગળ કહ્યું ”મિત્તલબેને તો પહેલા ના જ પડી હતી કે આવું કંઈ કરવું નથી. હું મારા સાસુ-સસરાની સેવા કરીશ. અને મારા દીકરા 10-12 વર્ષમાં મોટા થઈ જશે. આથી અમે મિત્તલબેનને સમજાવી કે આ રીતે જીદ ન કર, તારી ઉંમર નથી. બહુ લાંબો સમય કાઢવાનો છે. પછી ઘણું વિચાર્યા બાદ તેણે પણ જો છોકરો અહીયા આવતો હોય તો એણે સ્વીકારીશ એમ કહ્યું હતું. ”

હવે સમાજ શું કહે છે?
આ વિશે વિસનજી કહે છે કે, ”હવે તો આખા ભારત અને વિદેશથી અમારા સગાં અને મિત્રો છે એ કહે છે કે તમે આ પહેલ બહુ સારી કરી છે. ઘર બચાવી લીધું. હવે બધા જ અભિનંદન આપે છે. હવે બધાને આ પોસિબલ લાગે છે. સમાજ કહે છે કે આવું કરીએ તો ઘર તૂટતાં અને દીકરીની જિંદગી બચી જાય કારણ કે બીજી જગ્યાએ દીકરી દઈએ તો આખું ઘર નવું થઈ જાય. એટલે હવે તમામ લોકોએ આ સ્વીકારી લીધું છે. આપણાં સમાજમાં આવી ઘટનાઓ બનતી હોય તો આપણે મોટું મન રાખી ઈશ્વરભાઈની જેમ દીકરો દત્તક લેવાનું સાહસ કરીએ તો ઘણાં ઘર બચે અને દીકરી અને પૌત્રો જેમને બીજે જઈને મોટું થવું પડે એ કઠીન વસ્તુ છે એ બધુ ન થાય. કોઈને ક્યાંય જવું ન પડે.”

You cannot copy content of this page