Warning: file_exists(): open_basedir restriction in effect. File(/opt/a2-optimized/wordpress/Optimizations.php) is not within the allowed path(s): (/www/wwwroot/deargujarat.com/:/tmp/) in /www/wwwroot/deargujarat.com/wp-content/plugins/a2-optimized-wp/A2_Optimized_OptionsManager.php on line 22
ઉનાઇ મંદિરે ધૂળેટી અને ચૈત્રી પૂનમ સુધી ગરમ પાણીના કુંડમાં ભક્તોને નાહવાની મનાઈ - DEAR GUJARAT

ઉનાઇ માતાજીના મંદિરના દ્વાર દર્શન માટે ખુલ્યા પરંતુ હજુ સુધી ગરમ પાણીમાં નાહવા ન દેતા ભક્તોમાં નિરાશા જોવા મળી હતી. દક્ષિણ ગુજરાતના પવિત્ર યાત્રાધામ ઉનાઈ માતાજીનું મંદિર પ્રસિદ્ધ છે. અહીં ગુજરાતના ખૂણેખૂણેથી તેમજ મહારાષ્ટ્ર, એમપી જેવા રાજ્યોમાંથી અનેક ભક્તો દર્શને આવે છે. સુરતીઓ ઉનાઈ માતાજીમાં ખૂબ જ આસ્થા ધરાવે છે. સુરતીઓ તેમજ અનેક ગામોમાંથી રવિવારે અહીં મુંડન વિધિ કરવા આવતા હોય છે. મુંડનવિધિ બાદ બાળકોને ગરમ પાણીના કુંડમાં નવડાવવામાં આવે છે. બાદમાં માતાજીની પૂજા-અર્ચના કરતા હોય છે.

ઘણાં સમયથી કોરોનાની મહામારીને કારણે લોકડાઉન પગલે મંદિર બંધ કરી દેવામાં આવ્યું હતું. બાદમાં લોકડાઉન પૂરું થતાં ધીરે ધીરે જનજીવન રાબેતા મુજબ ચાલુ થતા મંદિર કોરોનાની ગાઈડ લાઈન પ્રમાણે ચાલુ કરાયું હતું પરંતુ અત્યાર સુધી મંદિર પરિસરમાં આવેલા ગરમ પાણીના કુંડ નાહવા માટે ખુલ્લા મુકાયા ન હતા, જેને પગલે ગ્રામજનોએ વિરોધ કરતા મંદિર સંચાલકોએ ગરમ પાણીના કુંડમાં માત્ર હાથ-પગ ધોવા દેવાની છૂટ આપી હતી. નાહવાની છુટ ન આપવાને કારણે દૂર દૂરથી આવતા ભાવિક ભક્તોમાં નિરાશા જોવા મળી હતી. માન્યતા પ્રમાણે આ ગરમ પાણીના ઝરણામાં નાહવાથી ચામડીના રોગો તેમજ અનેક દુઃખ દૂર થાય છે.

મહારાષ્ટ્રથી પણ દર વર્ષે ઋષિ પાંચમના દિવસે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આવી અહીં સ્નાન કરે છે પરંતુ કોરોના જેવી મહામારીને કારણે આ વર્ષે ભાવિકો ગરમ પાણીના કુંડમાં નાહવાનો લાભ લઇ શક્યા ન હતા. એ જ રીતે આગામી ધૂળેટી અને ત્યારબાદ ચૈત્રી પૂનમમાં પણ ગરમ પાણીના કુંડ બંધ રાખવાના હોય ભાવિકોમાં નિરાશા ફેલાઇ છે. હાલમાં ઉનાળાની સિઝન ચાલુ થતાની સાથે ગરમ પાણીના કુંડના સ્તર નીચે જતા રહેવાને કારણે આ વર્ષે ગ્રામજનો તેમજ બહારથી આવતા શ્રદ્ધાળુઓને ગરમ પાણીમાં નાહવાનો લાભ નહીં મળે એવું પ્રતિત થઈ રહ્યું છે.

ચૂંટણીમાં નેતાઓને બધી છૂટ, મંદિરમાં ભક્તોને પાબંદી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રચાર-પ્રસારમાં અનેક જગ્યાએ રેલી અને મેળાવડા જોવા મળ્યા હતા. તમામ જગ્યાએ કોરોનાની ગાઇડલાઈનનો ભંગ જોવા મળ્યો હતો. પરિણામ જાહેર થતા અનેક જગ્યાએ રેલીઓ કાઢવામાં આવી છતાં કોઈ રોકટોક નથી તો મંદિરોમાં અને આવા ઐતિહાસિક આસ્થાના કેન્દ્રો પર કેમ રોકટોક ? કોરોના જેવી મહામારીમાં લોકો માત્રને માત્ર ભગવાનને યાદ કરતા હોય તો ભગવાનના મંદિરોમાં કેમ રોકટોક ? એમ મંદિરે આવતા અનેક શ્રદ્ધાળુઓ દ્વારા આ બાબતે વેદના ઠાલવતા હતા.

જળસ્તર ઘટતા 10 દિવસ બાદ કુંડને તાળા મારી દેવાશે
ગરમ પાણીના કુંડમાં નાહવાની મનાઈ ફરમાવવામાં આવી હતી. જોકે બાદમાં શ્રદ્ધાળુઓ માટે હાથ-પગ ધોવા માટે કુંડ ખોલવામાં આવ્યા હતા. જોકે હાલમાં ઉનાળાને કારણે જળસ્તર નીચું જતું રહ્યું છે, જેના કારણે દસ દિવસ બાદ હાથ-પગ ધોવાનું પણ બંધ કરી કુંડને તાળા મારવામાં આવશે.- ડી.જે. ઢીમ્મર, વહીવટદાર, ઉનાઈ માતા મંદિર

You cannot copy content of this page